ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં લાંબા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને પોલીસે અમરેલી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
વર્ષ 2021માં આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. ત્યારબાદ આરોપી વારંવાર કોર્ટના વોરંટ છતાં હાજર થતો ન હતો અને પોલીસથી બચતો ફરતો હતો. આ મામલે સ્પેશિયલ પોક્સો એન્ડ એડિશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ બી.એન.એસ.એસ. કલમ-72 મુજબ ફરતું વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
વોરંટની ગંભીરતાને ધ્યાનમાં રાખી ટંકારા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાંથી રાકેશ ઉર્ફે રાહુલ વસુનીયાને ઝડપી લીધો હતો. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

