મોરબી શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવી હોવાની શંકાવાળી મોટરસાઇકલ સાથે એક શખ્સને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે મોટરસાઇકલ કબજે કરી આરોપીને વધુ કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાઘપરાના નાકા પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલ સાથે જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકીને મોટરસાઇકલ અંગે પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. મોટરસાઇકલના માલિકી હક અંગે પણ યોગ્ય માહિતી ન આપી શકતાં પોલીસને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન નંબર GJ-03-CQ-5542 હોવાનું સામે આવ્યું હતું. મોટરસાઇકલ ચોરી કે છળકપટથી મેળવવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહન કબજે લીધું હતું.
આ મામલે કુલીનગર-2, વીસીપરા, મોરબીના રહેવાસી હુશેનભાઈ ગફુરભાઈ જામને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(ઈ) મુજબ અટકાયત હેઠળ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટરસાઇકલ સહિત તેમને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા, જ્યાં આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


