વાંકાનેરના લાકડધાર ગામે જૂની બોલાચાલીની અદાવતમાં મારામારીની ઘટના સામે આવી છે. બાળકો વચ્ચે શાળામાં થયેલી બોલાચાલીને લઈને વડીલો વચ્ચે વિવાદ વકર્યો હતો. આ દરમિયાન રામાપીરના મંદિર નજીક આધેડ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લાકડધાર ગામના રહેવાસી મગનભાઈ ભલાભાઈ અણીયારીયા (ઉં.વ. 50)ના પૌત્ર જેનીસ (ઉં.વ. 8) અને અન્ય બાળક વચ્ચે શાળામાં બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો ખાર રાખીને આરોપી બાબુ સાદુર માલકીયા અને મહેશ રાજુ માલકીયાએ રામાપીરના મંદિર પાસે મગનભાઈ સાથે બોલાચાલી કરી ગાળાગાળી અને ઝપાઝપી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ મગનભાઈ માતાજીના મઢે હાજર હતા, ત્યારે રણજીત સાદુર માલકીયા અને કેતન વલ્લભ માલકીયા ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન રણજીતે લાકડી વડે મગનભાઈના માથામાં ઘા મારતાં તેમને ટાંકા લેવા પડે તેવી ઈજા પહોંચી હતી. પિતાને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્ર દશરથને પણ કેતને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે મગનભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


