HomeGujaratવાંકાનેરમાં જૂની અદાવતમાં યુવક પર 8થી વધુ શખ્સોનો હુમલો

વાંકાનેરમાં જૂની અદાવતમાં યુવક પર 8થી વધુ શખ્સોનો હુમલો

વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી મિલ કોલોનીમાં જૂની અદાવતને લઈને યુવક પર આઠથી વધુ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. કારખાનાના ઉદ્ઘાટન પ્રસંગે જઈ રહેલા યુવકની કારને મિલ પ્લોટ ફાટક પાસે રોકી કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવક મિત્રના ઘરે પહોંચતાં હુમલાખોરો ત્યાં પણ ધસી આવ્યા હતા અને તેને ઘરની બહાર ખેંચી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ બનાવમાં યુવકને માથાના ભાગે ટાંકા આવ્યા છે, જ્યારે હાથ-પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ પર મિલ કોલોનીમાં રહેતા અને સીટ કવરનો વ્યવસાય કરતા દેવભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ. 22) પોતાના મિત્રો સાથે સ્વિફ્ટ કારમાં રાવકી ગામે કારખાનાના ઉદ્ઘાટન પ્રસંગે જઈ રહ્યા હતા. દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે આરોપી રહીમ રાયધન, સુમીત કોળી, અકબર મુસા, સોહીલ કટીયા અને એક અજાણ્યા શખ્સે તેમની કાર અટકાવી હતી. ત્યારબાદ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે કારના કાચ તોડી તોડફોડ કરવામાં આવી હતી.

આ ઘટનાથી ગભરાયેલા દેવભાઈ પોતાનો જીવ બચાવવા મિત્રના ઘરે પહોંચ્યા હતા. જોકે, ત્યાં પણ રહીમ રાયધન, સુમીત કોળી, અકબર મુસા, મોઈનો, સોહીલ કટીયા, ચંકીલો ઉર્ફે ખાનભાઈ અને રમજાન કટીયા સહિતના શખ્સો ત્યાં  ધસી આવ્યા હતા. આરોપીઓએ દેવભાઈને ઘરની બહાર ખેંચી કાઢી ગાળો આપી હતી અને માથા, હાથ તથા પગના ભાગે બેફામ માર માર્યો હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.

હુમલામાં ઘવાયેલા દેવભાઈને માથામાં ત્રણથી ચાર ટાંકા આવ્યા હોવાનું તેમજ ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે. હુમલાખોરોએ જતા સમયે ફરી વચ્ચે પડશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આઠથી વધુ શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW