મોરબીના રવાપર ગામમાં આવેલી સરદાર પટેલ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 7,85,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં જયદીપભાઈ ઉર્ફે લાલા ગોવિંદભાઈ બકુત્રાના કબજા-ભોગવટાવાળા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા.
પોલીસે જયદીપભાઈ ઉર્ફે લાલા ગોવિંદભાઈ બકુત્રા, સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા, આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર, ભાવિનભાઈ ગિરીશભાઈ કારિયા, રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા, કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડિયા અને ભાવેશભાઈ હીરાભાઈ જીલરિયાને ઝડપી પાડ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 7.85 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ સાત શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


