મોરબી તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને હાલ ગાંધીનગર ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)માં જી.ડી. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક જવાન પર જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજાએ મોડપર ગામના રહેવાસી અક્ષયભાઈ વિનુભાઈ અને ઉમેશભાઈ શાંતિલાલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખીને બંને આરોપીઓએ તેમની સાથે બોલાચાલી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા.
આરોપ છે કે અક્ષયભાઈએ ફરિયાદીને પકડી રાખીને ગુપ્ત ભાગે લાત મારી હતી, જ્યારે ઉમેશભાઈએ લોખંડના પાઇપ વડે ડાબા ખભા અને હાંસળીના ભાગે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

