HomeGujaratમોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના...

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ

કોઈપણ આકસ્મિક ઔદ્યોગિક દુર્ઘટના કે આપત્તિ સમયે વહીવટી તંત્રની સજ્જતા અને ત્વરિત પ્રતિભાવ ક્ષમતા ચકાસવાના હેતુથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ‘EMBITO Granito LLP’ કંપની ખાતે પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો (Scenario) પર એક મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

મોક ડ્રીલના સિનેરિયો મુજબ, કંપનીમાં ગેસ ઓપરેટિંગ કરતી વખતે પ્રેશર વધી જતાં ગેસ લીકેજની ક્ષતિ ઊભી થઈ હતી અને બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કંપનીના ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા વોટર સ્પ્રિંકલર વડે આગ અને લીકેજ કાબૂમાં લેવાના પ્રાથમિક પ્રયાસો નિષ્ફળ જતાં આ અંગે મોરબી જિલ્લા કંટ્રોલરૂમને તુરંત જાણ કરવામાં આવી હતી. કંટ્રોલરૂમની આપત્તિજનક સૂચના મળતાં જ મોરબી મહાનગરપાલિકાની ફાયર ટીમ, પોલીસ પ્રશાસન, ગુજરાત ગેસ, જી.પી.સી.બી. (GPCB), 108 એમ્બ્યુલન્સ અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (DISH) ના અધિકારીઓ અને કર્મચારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા.

નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના માર્ગદર્શન અને સઘન દેખરેખ હેઠળ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન નિયત સમયમર્યાદામાં અને અત્યંત પદ્ધતિસર રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, વાંકાનેર મામલતદારની ટીમ, DISHના નાયબ નિયામકની કચેરી અને પર્યાવરણ વિભાગની ટીમોએ સંયુક્ત પરિસ્થિતિ સંભાળીને ગેસ લીકેજ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત કર્મચારીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્વરિત સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટી સંકલન અને વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટ્સની સક્રિયતા પ્રશંસનીય રહી હતી.

આ મોક ડ્રીલમાં મોરબી જિલ્લામાં પ્રથમ વાર શરૂ કરાયેલી ‘યુવા આપદામિત્ર સ્કીમ’ હેઠળ હાલ મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ મેળવી રહેલા એન.એસ.એસ. (NSS) અને ‘મેરા યુવા ભારત’ (MY Bharat) ના તાલીમાર્થી યુવાનોને પણ આ ઓપરેશનમાં પ્રત્યક્ષ સામેલ રાખવામાં આવ્યા હતા. આ નવતર પ્રયોગનો મુખ્ય આશય યુવા આપદામિત્રો ભવિષ્યમાં જિલ્લામાં બનતી કોઈપણ આપત્તિ સમયે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી ફિલ્ડ કામગીરી, કમાન્ડ સ્ટ્રક્ચર અને બચાવ રાહતની ટેકનિકોથી પ્રત્યક્ષ રીતે વાકેફ થાય તેમજ આપત્તિ સમયે તંત્રના સહભાગી બની ત્વરિત અને સકારાત્મક પ્રતિભાવ આપી શકે તે માટેનો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW