મોરબી શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા સાયબર શખ્સોએ નાલંદા વિદ્યાલયનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરી શાળાના સંચાલકના નામે ઓટીપી (OTP) મેળવી મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કર્યા હતા. ત્યારબાદ તેમના પરિચિતો પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવા ઉપરાંત રૂ. 10 લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના ઘુનડા રોડ વિસ્તારમાં રહેતા વેપારી ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટીયાએ અજાણ્યા સાયબર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ નાલંદા વિદ્યાલયના વ્હોટ્સએપ ગ્રુપમાં ઘૂસણખોરી કરી ફરિયાદીની પત્ની શિલ્પાબેનનો સંપર્ક કર્યો હતો. તેમણે પોતાને શાળાના સંચાલક કાર્તિક પાંચોટીયા તરીકે ઓળખાવી ઓટીપી મેળવી લીધો હતો.
ઓટીપી મળ્યા બાદ આરોપીઓએ શિલ્પાબેનના વ્હોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ હેક કરી દીધા હતા. ત્યારબાદ આ એકાઉન્ટ્સ મારફતે તેમના પરિચિતોને ભાવનાત્મક સંદેશાઓ મોકલી રૂપિયા માંગવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ પાસેથી રૂ. 30 હજાર મેળવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ વિશાલ લક્ષ્મણભાઈ ભોરણીયાને ફોન કરીને રૂ. 10 લાખની ખંડણીની માંગ કરી હતી. સાથે જ રૂપિયા નહીં આપે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અન્ય સ્કૂલો, ટ્યુશન ક્લાસ અને બ્યુટી પાર્લરના સંચાલકોના વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને ઓટીપી માંગવા તેમજ સ્કૂલ ફીની વસૂલાતના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે.

