માળિયા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા ત્રણ રસ્તા નજીક ત્રણ દિવસ અગાઉ સર્વિસ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે સામેથી આવી રહેલા ડબલ સવારી બુલેટને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બુલેટ પર સવાર કાકા અને ભત્રીજાને ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ માળિયા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા ત્રણ રસ્તા નજીક ગત તા. 7ના રોજ બપોરે એસટી બસ નંબર GJ-18-ZT-4048ના ચાલકે બેદરકારીપૂર્વક બસ હંકારી સામેથી આવી રહેલા બુલેટ નંબર GJ-27-CR-4431ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માળિયા મિયાણાના ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા ફરિયાદી હુશેન કરીમ નોતિયારને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે બુલેટ ચલાવી રહેલા તેમના ભત્રીજા ઇમરાન નુરાલી નોતિયારને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે માળિયા પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

