મોરબી એસ.ઓ.જી. પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેર શહેરના દ્વારકાનગરી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી અફીણના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેરના દ્વારકાનગરી વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભા વશરામભાઈ પોતાના રહેણાંક મકાનમાં અફીણનો જથ્થો રાખીને ખાનગીમાં ગ્રાહકોને છૂટક વેચાણ કરી રહ્યા છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી 693 ગ્રામ ઓપિયમ આલ્કલોઇડ (અફીણ) મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.3,46,500 આંકવામાં આવી છે. આ ઉપરાંત રૂ.10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે અફીણ અને મોબાઈલ સહિત કુલ રૂ.3,56,500નો મુદ્દામાલ જપ્ત કરી ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભા વશરામભાઈને ઝડપી પાડ્યો હતો.
આ મામલે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવી છે.
