મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડવા તથા વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા સઘન અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ ૨૧૫ હેઠળ કાર્યરત આ સમિતિ દ્વારા જૂન થી ઓગસ્ટ-2026 દરમિયાન જિલ્લાના બ્લેક સ્પોટ્સ પર ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ, અસરકારક વાહન ચેકિંગ, શાળાકીય જનજાગૃતિ અને સરકારી યોજનાઓના અમલીકરણ સહિતના વિવિધ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
અકસ્માત બ્લેક સ્પોટ અને વલ્નરેબલ વિસ્તારો જેવા કે લાલપર, રફાળેશ્વર, મકનસર, હરિપર, ચંદ્રપુર, ધનાળા, કવાડિયા, ઢવાણા અને ચરાડવા ખાતે રોડ સાઇનેજ, સ્પીડ કન્ટ્રોલ, રિફ્લેક્ટિવ ડેલિનેટર, કેટ આઈ અને સ્ટ્રીટ લાઈટિંગ જેવા ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ અમલી બનાવાયા છે. આ ઉપરાંત, આરટીઓ કચેરી દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરી લાયસન્સ વિનાના 1520, વિમા વિનાના 1050, રોંગ સાઈડ ડ્રાઈવિંગના 419, ઓવરલોડના 487, ઓવર ડાઈમેન્શન વાહનના 363 અને હેલ્મેટ વિનાના 118 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે.
આરટીઓ, પોલીસ અને 108ની ટીમ દ્વારા 20 શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકારની PM-RAHAT યોજના હેઠળ મોરબી જિલ્લાના 220 અકસ્માત પીડિતોને રૂ. 1.50 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે.

