મોરબી તાલુકાના રંગપર બેલા ગામ નજીક થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક્ટિવા ચલાવતા યુવકનું કરુણ મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 30 જૂનની રાત્રે ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડીયા (ઉ.વ. 44), રહે. રોટરીનગર, લક્ષ્મીનગર, પોતાના એક્ટિવા (નં. GJ-36-AM-0979) પર દેવજીભાઈ બચુભાઈ સંઘાણી (ઉ.વ. 60), રહે. બેલા ગામ સાથે રંગપર બેલા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન GJ-36-V-0735 નંબરના આઇસર ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક અને અતિઝડપે વાહન હંકારી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક ભુપેન્દ્રભાઈને જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા દેવજીભાઈ સંઘાણીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનસુખભાઈ ભંખોડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

