મોરબી તાલુકાના રંગપર ગામમાં રહેતી એક પરિણીતાએ સાસરિયા પક્ષના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પી આપઘાત કર્યો હતો. સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજતાં સમગ્ર મામલે મૃતકના ભાઈએ પતિ, દિયર અને નણંદ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ જામનગર જિલ્લાના ચૂર ગામના વતની અને હાલ રાજકોટ ખાતે ખાનગી નોકરી કરતા શક્તિસિંહ બચુભા જાડેજાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે સુરેન્દ્રનગરની રહેવાસી હર્ષાબા ઝાલા તેમજ રંગપર ગામના રહેવાસી રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના નામ દર્શાવવામાં આવ્યા છે.
ફરિયાદ અનુસાર, મૃતક ભક્તિબાને લગ્નજીવન દરમિયાન સાસરિયા પક્ષ તરફથી સતત શારીરિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. નણંદની ઉશ્કેરણીના કારણે પતિ અને દિયર દારૂના નશામાં મારઝૂડ કરતા હોવાનો તેમજ વારંવાર તેને ઘર બહાર કાઢી મૂકતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સતત ત્રાસથી કંટાળીને ભક્તિબાએ એસિડ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈએ ફરિયાદમાં ત્રણેય આરોપીઓએ મળીને ભક્તિબાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

