મોરબીના શનાળા રોડ વિસ્તારમાં રહેતા તથા ખેતી કરતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજાએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમને પોતાના વ્યવસાય માટે નાણાંની જરૂરિયાત હોવાથી વર્ષ 2023 દરમિયાન આર્યનગર સોસાયટી (જીઆઇડીસી સામે, શનાળા રોડ) ખાતે રહેતા રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયાથી રૂ. 11 લાખ ઉધાર લીધા હતા.
આ લેણાં પર દર અઠવાડિયે તથા મહિને 5 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ અત્યાર સુધીમાં વ્યાજ સહિત કુલ અંદાજે રૂ. 2.43 કરોડ જેટલી રકમ ચૂકવી હોવા છતાં આરોપીઓ વધુ પૈસાની માંગણી કરતા રહ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીઓએ પૈસા નહીં આપ્યે ફરીયાદી અને તેના પરિવારને ઘરવિહોણા બનાવી દેવાની ધમકી આપી ‘પઠાણી ઉઘરાણી’ કરતા હતા. આ મામલે પોલીસે ઇ.પી.કો.ની કલમ 384, 506(1), 114 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011ની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

