ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રાજકોટમાં ગોઠવેલી ટ્રેપમાં મોરબીના મત્સ્યઉદ્યોગ અધિક્ષક તથા બોટાદના ઇન્ચાર્જ અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીને રૂ. 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત કરવા બદલ લાંચ માંગવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીએ ચાલુ વર્ષ દરમિયાન મત્સ્યઉદ્યોગ વિભાગમાં કુલ સાત ટેન્ડર ભર્યા હતા. જેમાંથી ત્રણ ટેન્ડર મંજૂર થયા હતા જ્યારે ચાર ટેન્ડર રિજેક્ટ થયા હતા. મંજૂર થયેલા ટેન્ડરના વર્ક ઓર્ડર જારી કરવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત કરવા બદલ અધિકારીએ શરૂઆતમાં રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં બંને પક્ષ વચ્ચે થયેલી વાતચીત બાદ રૂ. 50 હજારની રકમ નક્કી કરવામાં આવી હતી.
લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ ભાવનગર એસીબીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ચકાસણી બાદ એસીબીએ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં આરોપી ફરિયાદી પાસેથી રૂ. 50 હજારની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
ખોડાભાઈ રામાણી હાલ મોરબી ખાતે મત્સ્યઉદ્યોગ અધિક્ષક (ક્લાસ-2) તરીકે ફરજ બજાવે છે અને તેમની પાસે બોટાદ કચેરીનો વધારાનો ચાર્જ પણ હતો. એસીબીએ લાંચની રકમ કબજે કરી આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

