હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા અને મૂળ નર્મદા જિલ્લાના તીલકવાડા ગામના રહેવાસી સંજયભાઈ ચંદુભાઈ ભીલ ગત તા.16 જુલાઈના રોજ પોતાના 12 વર્ષીય પુત્ર કલ્પેશ સાથે અષાઢી બીજ નિમિત્તે શક્તિનગર સ્થિત નકલંક મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા હતા, તે દરમિયાન પોતાનું જીજે-23-બીએચ-6469 નંબરનું બાઈક પર હળવદ-સરા ચોકડી નજીક પહોંચ્યા હતા ત્યારે જીજે-12-બીઝેડ-9082 નંબરની ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પાછળ બેઠેલા કલ્પેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત પિતાપુત્રને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 12 વર્ષીય કલ્પેશનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજયભાઈને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સંજયભાઈ ભીલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

