HomeGujaratખેડૂતો માટે ખુશખબર: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટેની સમયમર્યાદામાં...

ખેડૂતો માટે ખુશખબર: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટેની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27ની ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટરથી સંચાલિત સાધનો ખરીદવા મંજૂરી મેળવનારા પાત્ર ખેડૂતો માટે ખરીદીની સમયમર્યાદામાં વધુ 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના માટે રાજ્ય સરકારે રૂ.750 કરોડથી વધુની જોગવાઈ કરી છે. ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદીમાં સહાય મળે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવી હતી અને પાત્ર અરજદારોને સાધનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, એકસાથે મોટી સંખ્યામાં અરજીઓ મંજૂર થતાં કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોના ઉત્પાદકો માટે નિર્ધારિત સમયગાળામાં તમામ ખેડૂતો સુધી સાધનો પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ મુદ્દે ખેડૂતો ઉપરાંત ધારાસભ્યો, સાંસદો અને અન્ય આગેવાનો દ્વારા સરકાર સમક્ષ ખરીદીની મુદત વધારવાની રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોની આ વ્યવહારુ મુશ્કેલીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખરીદીની સમયમર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. હવે મંજૂરી મેળવનારા ખેડૂતો પોતાની મૂળ ખરીદીની છેલ્લી તારીખ બાદના વધુ 15 દિવસ દરમિયાન મંજૂર કરાયેલા કૃષિ સાધનો ખરીદી શકશે. કૃષિ મંત્રીએ રાજ્યના કૃષિ સાધનોના ઉત્પાદકોને પણ અપીલ કરી છે કે, તેઓ મંજૂર થયેલા ખેડૂતોને સાધનો સમયસર ઉપલબ્ધ કરાવે, જેથી ખેડૂતો તેનો સમયસર ખેતીમાં ઉપયોગ કરી શકે.

સાથે જ પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’નો મહત્તમ લાભ લેવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. સરકારનો હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો ઉપલબ્ધ કરાવી ખેતીની કામગીરી વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાનો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW