જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે રાજકોટ રેન્જ ટીમે કાર્યવાહી કરી છે. બાદનપર ગામની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં જુગાર રમતા કુલ 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી રૂ. 1,52,300 રોકડા, 9 મોબાઈલ ફોન અને 5 મોટરસાયકલ મળી કુલ આશરે રૂ. 5,02,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર જુગાર તથા અન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન માનવ સૂત્રો અને ટેકનિકલ માહિતીના આધારે બાદનપર ગામે જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે રાજકોટ રેન્જની ટીમે જોડીયા પોલીસ સ્ટેશન હદના બાદનપર ગામે કોબાની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. અહીં તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમતા નવ ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં રમેશભાઈ ઘોડાસરા, પ્રવીણભાઈ સંતોકી, રમેશભાઈ સંતોકી, અજયભાઈ રાણીયા, બ્રીજેશભાઈ ભીમાણી, જેન્તીભાઈ સંતોકી, જીતેન્દ્રભાઈ સંતોકી, રાકેશભાઈ સંતોકી અને રાજભાઈ ભીમાણીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે જોડીયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

