મોરબી: રાજ્યમાં આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે, ત્યારે મોરબી જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ટંકારા તાલુકા ભાજપના ટોચના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને છેડો ફાડી નાખ્યો છે અને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.
મળતી માહિતી મુજબ, ટંકારા ભાજપના સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક નારાજગી હવે જાહેરમાં આવી ગઈ છે. ભાજપના ટંકારા પૂર્વ તાલુકા અધ્યક્ષ નથુ કનીવાલ, તાલુકા ભાજપના ચાલુ ઉપપ્રમુખ લાલજી દેત્રોજા અને ટંકારા તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ઉમેશ ગોહિલ સહિતના અગ્રણી નેતાઓએ ભાજપને રામ-રામ કહી દીધા છે. આ ટોચના નેતાઓની સાથે તેમના સમર્થકો અને મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

