HomeGujaratધુનડા ગામે ઓમ વિલામાં જુગારધામ પર દરોડો, રૂ. 44.76 લાખના મુદ્દામાલ સાથે...

ધુનડા ગામે ઓમ વિલામાં જુગારધામ પર દરોડો, રૂ. 44.76 લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સ ઝડપાયા

ભુજ બોર્ડર રેન્જ આઈજીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોરબી જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી કુલ નવ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 44.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ ભુજ બોર્ડર રેન્જના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ-2 સરહદી ભુજની ટીમ મોરબી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ધુનડા-સજનપર રોડ પર આવેલા ઓમ વિલા બંગલા નં. A-3માં દેવશંકર હિંમતલાલ શિતાણી દ્વારા પોતાના અંગત ફાયદા માટે જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે અને ત્યાં હાલ જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલિયા, નરોતમભાઈ વિરજીભાઈ ફેફર, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી, ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી, જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા અને દેવશંકર હિંમતલાલ શિતાણીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 24.30 લાખની રોકડ રકમ, નવ મોબાઈલ ફોન કિંમત રૂ. 46 હજાર તેમજ બે ફોરવ્હીલ વાહનો કિંમત રૂ. 20 લાખ મળી કુલ રૂ. 44,76,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જે બંગલામાં આ જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું છે તે મોરબી મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના નામ સાથે સંકળાયેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં બંગલાના માલિકના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW