2019 -20 રણજી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રએ પશ્ચિમ બંગાળને હરાવી પ્રથમ વખત રણજી ચેમ્પિયન બન્યા બાદ ફરી એકવાર સૌરાષ્ટ્રની ટીમે પશ્ચિમ બંગાળની ટીમને તેમના ઘર આંગણે હરાવી રણજી ટ્રોફી પોતાના નામે કરી છે. રવિવારે ઇડન ગાર્ડન સ્ટેડિયમ કલકત્તા ખાતે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં સૌરાષ્ટ્રના કપ્તાન જયદેવ ઉનડકટએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને સૌરાષ્ટ્રના પેસ બોલર જયદેવ ઉનડકટ અને ચેતન સાકરીયા 3-3 વિકેટ ઝડપી 174 રનમાં પશ્ચિમ બંગાળને પ્રથમ દાવમાં ઓલ આઉટ કરી યોગ્ય પુરવાર કર્યો. સૌરાષ્ટ્ર એ પ્રથમ દાવમાં હાર્વિક દેસાઈ ,અર્પિત વસાવડા,ચિરાગ જાની,શેલ્ડન જેકસનની અર્ધ સદીના સહારે 404 રન બનાવી 230 રનની લીડ મેળવી હતી. જયદેવ ઉનડકટની ઝંઝાવાતી બોલિંગ સામે પશ્ચિમ બંગાળ બીજા દાવમાં 241 રનમાં ઓલ આઉટ થઈ જતા સૌરાષ્ટ્રને રણજી ફાઈનલ જીતવા માટે 12 રનનું લક્ષ્ય મળ્યું.જે સૌરાષ્ટ્રએ 1 વિકેટ ગુમાવી 9 વિકેટએ જીત મેળવી. જયદેવ ઉનડકટને પ્રથમ દાવમાં 3 વિકેટ અને બીજા દાવમાં 6 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધી મેચના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. સેમી ફાઇનલમાં કર્ણાટક સામે બેવડી સદી ફટકારનાર અર્પિત વસાવડાને રણજી ટ્રોફીના 10 મેચમાં 907 રન કરવા બદલ મેન ઓફ ધી સીરીઝ ના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.