હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂ.41,500ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સુસવાવ ગામ પાસે આવેલા વોકળ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે લખમણભાઈ રણછોડભાઈ માલકિયા, દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા, રવજીભાઈ હમીરભાઈ રાઠોડ, સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી, દિનમહમદ ગુલમામદ રાઉમા, મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા, સુજલભાઈ નરેશભાઈ માલકિયા અને નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આઠ આરોપીઓ પાસેથી રૂ.41,500ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી તેમની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

