HomeGujaratટંકારા : શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ. 84.80 લાખની...

ટંકારા : શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ. 84.80 લાખની છેતરપિંડી

ટંકારા તાલુકામાં જંતુનાશક દવાના કારખાનાનું સંચાલન કરતા અને રાજકોટમાં ઓફિસ ધરાવતા એક વેપારી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપીને ઠગોએ વ્હોટ્સએપ ગ્રુપ અને નકલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી વેપારી પાસેથી રૂ. 84.80 લાખ પડાવી લીધા હતા.

મળતી વિગતો અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતા વેપારી વિજ્ઞેશભાઈ હસમૂખભાઈ પરમારને ફેબ્રુઆરી 2025માં અજાણ્યા નંબર પરથી “VIP 2 Investment Alliance Training Group A” નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શેરબજાર સંબંધિત માહિતી અને રોકાણની ટિપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ ઠગોએ વેપારીને “GALAD ARAB” નામની બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શેરબજારમાં રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા.

શરૂઆતમાં વેપારીને ઓછી રકમનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. એપ્લિકેશનમાં ટૂંકા સમયમાં મોટો નફો થયો હોવાનું દર્શાવવામાં આવતાં વેપારીને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઊંચા વળતરની લાલચમાં આવીને તેમણે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 21 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 84,80,000 ટ્રાન્સફર કરી દીધા હતા.

જોકે, જ્યારે વેપારીએ પોતાની રોકાણ કરેલી રકમ અને દર્શાવેલા નફાની રકમ પરત મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. પરિણામે તેમને ન તો મૂળ મૂડી પરત મળી કે ન તો નફાની રકમ. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેમણે સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વ્હોટ્સએપ નંબર સાથે સંકળાયેલા શખ્સો, નકલી એપ્લિકેશન બનાવનારાઓ અને છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાના ધારકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW