મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રસીકરણથી અટકાવી શકાય તેવા રોગો (VPD), ખાસ કરીને ઓરીના કેસોની ચિંતાજનક સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશેષ સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકોને સંપૂર્ણપણે સુરક્ષિત કરવાના ઉદ્દેશથી આગામી તા. 17/10/2026 થી તા. 22/10/2026 દરમિયાન આ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સઘન ઝુંબેશ અંતર્ગત તા. 17 ઓક્ટોબરના રોજ સિરામિક ફેક્ટરીઓ અને વાડી વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ, બિહારથી આવતી માઈગ્રન્ટ વસ્તીના 9 માસથી 10 વર્ષ સુધીના રસીથી વંચિત બાળકો માટે ‘સિરામિક સ્પેશ્યલ ડ્રાઈવ’ યોજાશે. તા. 18 ઓક્ટોબરે જિલ્લા હોસ્પિટલ, પેટા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સી.એચ.સી. અને પી.એચ.સી. ખાતે ખાસ ‘ફિક્સ્ડ ડે સેશન’ યોજાશે. જ્યારે તા. 21 ઓક્ટોબર (મમતા દિવસ)ના રોજ તમામ આઉટ-રીચ વિસ્તારોમાં સઘન કામગીરી તથા તા. 22 ઓક્ટોબરે ચોથા ગુરુવાર નિમિત્તે માઈગ્રન્ટ વિસ્તારોમાં ખાસ રસીકરણ ડ્રાઈવ હાથ ધરાશે.
મોરબી જિલ્લાનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે અર્થે તમામ વાલીઓને પોતાના બાળકોને એમ.આર. (MR) ની રસી અપાવી સુરક્ષિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.


