ટંકારા તાલુકાના બંગાવડી ગામે ઉધારમાં કરિયાણાનો સામાન આપવાની ના પાડવા જેવી બાબતે એક વેપારી સાથે મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ વેપારીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, બંગાવડી ગામે રામદેવપીરના મંદિર સામે કરિયાણાની દુકાન ધરાવતા 60 વર્ષીય ભાયલાલભાઈ જીવરાજભાઈ કાનાણીએ આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાહુલભાઈ સુખલાલ, રાહુલભાઈ સરખુભાઈ, બબલુભાઈ નાથુભાઈ અને અનિલભાઈ રૂમાલસિંગને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ફરિયાદ અનુસાર, ભાયલાલભાઈએ રાહુલભાઈને ઉધારમાં રાશન આપવાની ના પાડતાં તેને આ વાતનું માઠું લાગ્યું હતું. ત્યારબાદ તેણે અન્ય શખ્સોને બોલાવી લીધા હતા. ચારેય શખ્સોએ ભેગા મળી વેપારી સાથે બોલાચાલી કરી હતી અને અપશબ્દો બોલી ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન વેપારીને ઢીકાપાટુનો માર મારવામાં આવતાં માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં મૂંઢ ઈજાઓ પહોંચી હતી.
આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


