24 ઓક્ટોબરે નવચંડી યજ્ઞ અને મહાઆરતીનું આયોજન, 23 ઓક્ટોબરની રાત્રે હરેશદાન ગઢવીની મ્યુઝિકલ નાઇટમાં ગરબા-દાંડિયાની રમઝટ જામશે
મોરબીના બગથળા ગામે ઠોરિયા પરિવારના કુળદેવી શ્રી બહુચરાજી માતાજીના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે 2025માં બહુચરાજી માતાજીની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ હવે તા. 24 ઓક્ટોબર, 2026ના રોજ બગથળા ગામના શ્રી બહુચર ધામ ખાતે સમસ્ત ઠોરિયા પરિવાર દ્વારા પ્રથમ પાટોત્સવ અને નવચંડી યજ્ઞની ઉજવણી કરવામાં આવશે.
આ મહોત્સવમાં આસપાસનાં 23 ગામોમાં વસતા ઠોરિયા પરિવારનાં આશરે 450 કુટુંબો એકત્રિત થઈ માતાજીના પાટોત્સવમાં સહભાગી બનશે. ધાર્મિક અનુષ્ઠાનની સાથે ઠોરિયા પરિવારનું ભવ્ય સ્નેહમિલન પણ યોજાશે. આ પ્રસંગે બગથળાના નકલંક મંદિરના મહંત પૂજ્ય દામજી ભગત ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. મહોત્સવના પ્રારંભે તા. 23 ઓક્ટોબર, શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યે બહુચર ધામ ખાતે જાણીતા કલાકાર હરેશદાન ગઢવીની મ્યુઝિકલ નાઇટ યોજાશે. જેમાં દાંડિયારાસ અને ગરબાના વિશેષ આયોજન સાથે ભક્તિ અને લોકસંસ્કૃતિનો રંગ જામશે.
ત્યારબાદ તા. 24 ઓક્ટોબર, શનિવારના રોજ સવારે 8 વાગ્યે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે 12 વાગ્યે બગથળાની પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 2,500 ભાવિકો પ્રસાદનો લાભ લેશે. સાંજે 5 વાગ્યે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે અને 5:30 વાગ્યે માતાજીની મહાઆરતી કરવામાં આવશે. આ પાવન પ્રસંગે મુખ્ય યજમાન તરીકે વિશાલ કેશવજીભાઈ ઠોરિયા અને હિનાબેન વિશાલભાઈ ઠોરિયા લાભ લેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બહુચર માતાજી ઠોરિયા પરિવાર સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઠોરિયા પરિવાર માટે આ ધાર્મિક મહોત્સવ આસ્થા, એકતા અને પારિવારિક સ્નેહનું પર્વ બની રહેશે. આ અવસરે સમસ્ત ઠોરિયા પરિવારને સહપરિવાર ઉપસ્થિત રહી માતાજીના દર્શન, આશીર્વાદ અને મહોત્સવનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


