HomeGujaratમોરબીના ટાઇલ્સ વેપારી સાથે રૂ. 44.74 લાખની છેતરપિંડી

મોરબીના ટાઇલ્સ વેપારી સાથે રૂ. 44.74 લાખની છેતરપિંડી

મોરબી: વેપારીઓને વિશ્વાસમાં લઈને માલ મંગાવ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી કરવાના કિસ્સાઓમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. મોરબીના રંગપર ગામે આવેલી ટાઇલ્સ બનાવતી પેઢી સાથે રૂ. 44.74 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈની પેઢીનું નામ આગળ ધરી ક્રેડિટ પર લાખોની કિંમતની ટાઇલ્સ મંગાવ્યા બાદ પેમેન્ટ આપવાને બદલે મોબાઈલ ફોન બંધ કરી દેવામાં આવતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રંગપર ગામે આવેલી વેલેન્ઝા ગ્રેનીટો એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીમાં વિટ્રીફાઈડ ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પેઢી સાથે સંકળાયેલા ભગતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા સાથે કથિત છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ અનુસાર, પેઢીના માર્કેટિંગનું કામ સંભાળતા જીતભાઈ વાસજાળીયાના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સે રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખરના નામે સંપર્ક કર્યો હતો. તેણે મુંબઈમાં પ્રખેતુ વેન્ચર્સ એલ.એલ.પી. નામની પેઢી ધરાવતો હોવાનું અને મોટું કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલતું હોવાનું જણાવી ટાઇલ્સના સેમ્પલ મંગાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ વેપારીનો વિશ્વાસ સંપાદિત કરવા માટે મિલેનીયમ સીરામીકના સંચાલકનો સંપર્ક કરાવ્યો હતો અને પોતે વિશ્વાસપાત્ર વેપારી હોવાની છાપ ઊભી કરી હતી. આ રીતે વિશ્વાસમાં લીધા બાદ અલગ-અલગ ડિઝાઇનના કુલ 7,865 બોક્સ ટાઇલ્સ મંગાવવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. 44,74,985 થવા જાય છે. આ માલ રાજ શક્તિ રોડવેઝ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવ્યો હતો.

જોકે, ટાઇલ્સનો માલ મેળવી લીધા બાદ નક્કી કરેલી મુદતમાં પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, રજનીકાંત પોપટભાઈ ખોખર અને અન્ય સંપર્ક નંબરો બંધ કરી દેવામાં આવતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે ભગતભાઈ પ્રાગજીભાઈ છત્રોલાએ રજનીકાંત પોપટભાઈ ખોખર (રહે. મુંબઈ) તેમજ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW