મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામે મકાનનું બાકી ભાડું માંગવા જેવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કરિયાણાના વેપારી અને તેમના નાના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હરિપર (કેરાળા) ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ જયંતિલાલ હળવદિયા (ઉં.વ. 45)એ ગામના જ લક્ષ્મણભાઈ સુરેશભાઈ પાંચીયા, મેહુલભાઈ સુરેશભાઈ પાંચીયા, હીરાભાઈ સુરેશભાઈ પાંચીયા, સુરેશભાઈ ઘેલાભાઈ પાંચીયા અને ભરતભાઈ સુરેશભાઈ પાંચીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મકાનનું બાકી ભાડું માંગવા બાબતે લક્ષ્મણભાઈ અને મેહુલભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ લક્ષ્મણભાઈએ લોખંડના પાઇપ વડે અને અન્ય આરોપીઓએ લાકડીઓથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં અમિતભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં આશરે ચાર ટાંકા લેવા પડ્યા હતા.
આ ઉપરાંત, અમિતભાઈના સાથી દીપેશભાઈને મેહુલભાઈએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જ્યારે ભરતભાઈએ પાછળથી આવી ગાળો આપી ધમકી આપી હતી અને લક્ષ્મણભાઈએ લોખંડના પાઇપ વડે હુમલો કરતાં દીપેશભાઈને માથાના ભાગે આશરે પાંચ ટાંકા લેવા પડ્યા હતા, તેમજ શરીરે મૂંઢ ઈજાઓ પહોંચી હતી.
આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


