મોરબી તાલુકા પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. પોતાના જ પરિચિત અને વિશ્વાસુ માણસ પર ભરોસો મૂકવો એક વેપારીને ભારે પડ્યો છે. લોન અપાવવાના બહાને અંદાજે 7.50 લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લઈ તેને બારોબાર વેચી દેવાના ગુનામાં પોલીસે બે શખ્સો સામે તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, મોરબીના લક્ષ્મીનગર ગામે ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા કેતનભાઈ ભીમજીભાઈ વાઘેલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. કેતનભાઈને નાણાંની જરૂરિયાત હોવાથી અને પોતાના નામે ગોલ્ડ લોન થઈ શકે તેમ ન હોવાથી, તેમણે પોતાના વિશ્વાસુ કર્મચારી કીર્તીકુમાર કનુભાઈ વરાણીયા (રહે. નવી પીપળી) પર ભરોસો મૂક્યો હતો.
લાલપર ગામ પાસે પવનસુત પ્લાઝામાં આવેલી કેતનભાઈની ‘કેવલ પેલેટ’ નામની ઓફિસે આ આખો ખેલ રચાયો હતો. કેતનભાઇએ કુલ સાડા છ તોલા સોનું, જેમાં મંગળસૂત્ર, સોનાની ચેન, હાર, બુટ્ટી અને વીંટીઓનો સમાવેશ થાય છે, તે લોન લેવા માટે આરોપી કીર્તીકુમારને આપ્યા હતા.જ્યારે દાગીનાની પરત જરૂર પડી અને તેમણે કીર્તીકુમાર પાસે દાગીના છોડાવવાની વાત કરી, ત્યારે સત્ય સામે આવ્યું હતું. આરોપી કીર્તીકુમાર અને તેના સાથીદાર પ્રમીલકુમાર ચતુર્વેદી (રહે. અમદાવાદ, મૂળ યુ.પી.) એ મળીને ફરિયાદીની જાણ બહાર આ તમામ દાગીના છોડાવી લઈ બારોબાર વેચી દીધા હતા.
હાલ મોરબી તાલુકા પોલીસે કેતનભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

