હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 90 ટકા સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસમાં સતત વરસાદ અને પાણીની આવક ચાલુ રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
ડેમમાં પાણીનો જથ્થો વધતા જરૂરિયાત મુજબ વધારાનું પાણી નદીમાં છોડવાની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને તકેદારી રાખવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચડાધ્રા, ટીકર અને માનગઢ સહિતના ગામોના રહેવાસીઓને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ગ્રામજનોને પોતાના ઢોર-ઢાંખર અને માલ-મિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા પણ અપીલ કરવામાં આવી છે.
સિંચાઈ વિભાગે લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે, જેથી કોઈ જાનહાનિ કે નુકસાનની ઘટના ટાળી શકાય. ડેમની સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ અનુસાર આગળના પગલાં લેવામાં આવશે.

