HomeGujaratમોરબીના ઉધોગોની મંદીનો માર 100થી વધુ સિરામિક એકમ બંધ,પેપરમિલ,રો મટીરીયલ ઉધોગના ઓર્ડર...

મોરબીના ઉધોગોની મંદીનો માર 100થી વધુ સિરામિક એકમ બંધ,પેપરમિલ,રો મટીરીયલ ઉધોગના ઓર્ડર ઠપ્પ

ઔદ્યોગિક નગરી મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ફરી એકવાર મંદીનો ઓછાયો જોવા મળી રહ્યો છે રશિયા યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ હમાસ યુદ્ધ તેમજ વિશ્વના અગ્રણી દેશમાં પ્રસરેલી મંદીની અસર મોરબી નાસિરામિક અને તેની સાથે સંકળાયેલા આજે મંદીના મારનો ભયંકર સામનો કરી રહ્યા છે મોરબીને વૈશ્વિક ઓળખ અપાવનાર સિરામિક ઉદ્યોગના પણ પાયા હચમચી ગયા હોય તેમ દિવાળી બાદ નાની અને મધ્યમ પ્રકારની ૧૦૦ થી વધુ ફેક્ટરી કાયમી ધોરણે બંધ થઇ ગઈ છે, અને તેના જ કારણે સિરામિક ને જોડાયેલી પેપરમિલ,ટ્રાન્સપોર્ટ , રો મટીરીયલ જેવા ઉદ્યોગના પાયા ઉખાડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે લગભગ 4 લાખથી વધુ લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગને મંદીએ ઘેરી વળતા તેની સાથે જોડાયેલા સીધા કે આડગતરી રીતે રોજગાર મેળવતા લોકોની રોજગારી પ્રભાવિત થઈ રહી છે ત્યારે આ તમામ ઉદ્યોગોને સરકારની હુંફ ની તાતી જરૂરિયાત મહેસુસ થઇ રહી છે ડચકા ખાતા આ ઉદ્યોગો ને તાત્કાલિક પ્રોત્સાહક નીતિની આશા ઉદ્યોગકારો રાખીને બેઠા છે.


મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વ માં બીજા નંબરનો અને ભારતના કુલ ટાઈલ્સ ઉત્પાદનના ૯૦ % ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. અંદાજીત ૮૫૦ જેટલા સિરામિક કારખાના હાલ મોરબીમાં આવેલા છે જે પૈકી ૧૦૦ થી વધુ કારખાના હાલ બંધ હાલત માં છે જેમાંથી અનેક કારખાના તો વેચાવા માટે માર્કેટમાં આવી ગયા છે. વૈશ્વિક મંદી,આંતરિક હરીફાઈ , ગલ્ફ કન્ટ્રી માં એન્ટી ડમ્પિંગ ડ્યુટી , ગેસના ભાવ માં થતો મનસ્વી ભાવ વધારો, મોંધુ થતું ટ્રાન્સપોર્ટેશન ,ચીન ની પોતાના ઉદ્યોગકારો માટે ની પ્રોત્સાહક નીતિ જેવા અનેક કારણોના લીધે સીરામિક ઉદ્યોગ ડચકા ખાઈ રહ્યો છે ધીમે ધીમે નાના નાના ટાઈલ્સ ઉત્પાદકો કારખાના બંધ કરવા મજબુર બની રહ્યા છે ત્યારે અંદાજીત ૫ લાખ થી વધુ લોકો ને સીધી રોજગારી આપતા આ ઉદ્યોગ ની લાચારીભરી આ સ્થિતિ ના લીધે અનેક શ્રમિકો ની રોજગારી છીનવાઈ રહી છે તો સિરામિક સાથે સંકળાયેલ અનેક ઉદ્યોગો પણ સિરામિકની સાથોસાથ મંદી ની ઝપટે ચડી રહ્યા છે.

મોરબીમાં હાલ ૫૦ થી વધુ પેપરમિલ આવેલી છે આ આંકડો આમ ઘટ્યો છે પરંતુ પ્રોડક્શન વધ્યું છે બીજી બાજુ સિરામિક ની મંદી વચ્ચે ડોમેસ્ટિક વપરાશ ઘટતા પેપરમિલોને ફરજીયાત એક્ષપોર્ટ કરવું પડે એમ છે તેવામાં પેપરમિલ ઉદ્યોગમાં વાપરતા વેસ્ટ પેપર ઉપર અઢી ટકા જેટલો ટેક્ષ લગાડી દેવામાં આવ્યો છે. બીજી બાજુ કોલસાના વધતા ભાવ અને મોંધા ટ્રાન્સપોર્ટેશન વચ્ચે પેપરમિલ ઉદ્યોગ ને પણ હાલ કારખાના ચલાવવા પોસાય તેમ નથી રહ્યા ચાઈના જેવા દેશો એ જ્યાં ભારત ના પેપર જતા તેવા દેશો માં પેપરમીલો ઉભી કરી દેતા તેની સરખામણી માં મોરબીની પેપરમિલો માટે એક્ષ્પોર્ટ કરવું પણ ચેલેન્જ બનતી જાય છે ત્યારે ૧૦ હજાર થી વધુ લોકો ને રોજગારી આપતા આ ઉદ્યોગ માટે પણ હાલ વિપરીત સ્થિતિ સર્જાઈ છે અને આ ઉદ્યોગ પણ સરકાર સામે મદદ ની મીટ માંડી ને બેઠો છે

સિરામિક ઉદ્યોગ માટે સૌથી મહત્વનું રો મટીરીયલ માટી છે મોરબીમાં અંદાજીત ૩૦૦ જેટલા મિનરલ્સ ના કારખાના છે જેઓ સિરામિક ઉદ્યોગ માં માટી સપ્લાય કરતા આવ્યા છે હાલ તેમની સપ્લાય અડધા ની આસપસ પહોચી છે જે રીતે સિરામિક કારખાના બંધ થઇ રહ્યા છે તે જોતા માટી સપ્લાય કરતા આ ઉદ્યોગકારો ની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઇ રહી છે જે ઉદ્યોગકાર દરરોજ ૧૫ થી વધુ ટ્રક માટી સપ્લાય કરતો હતો તે આજે માંડ ૭ થી ૮ ટ્રક જ સપ્લાય કરી શકે છે બીજી બાજુ મિનરલ્સ ના કારખાના માં પણ તેમના ખર્ચ તો એ જ રહે છે આથી આ માટી સપ્લાય કરનારા પણ ધીમેધીમે થાકી રહ્યા છે

તૈયાર ટાઈલ્સ એક્ષ્પોર્ટ કરવાની હોય કે ડોમેસ્ટિક માર્કેટમાં મોક્લવાની હોય તેના માટે ટ્રાન્સપોર્ટેશન સૌથી વધુ જરૂરી છે મોરબીમાં થોડા સમય પહેલા દરરોજ ૮ હજાર થી વધુ ટ્રકો દરરોજ લોડ થતા હતા પરંતુ આજે માંડ ૪ હજારની આસપાસ જ ટ્રકો ભરાય છે એટલેકે તેમનો ધંધો પણ ૫૦ % જેટલો ઘટી ગયો છે હજારો લોકો ને રોજગારી આપતો આ ઉદ્યોગ પણ સિરામિક ઉદ્યોગ ની ખરાબ થતી સ્થિતિ વચ્ચે પોતાની ચમક ગુમાવી રહ્યો છે ટ્રાન્સપોર્ટ ના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પણ સરકાર ડીઝલ ના ભાવ અને ટોલટેક્ષ માં રાહત મળે એવી અપેક્ષા રાખી ને બેઠા છે.

મોરબી એક એવું શહેર છે જે ટાઈલ્સ ના લીધે આખા વિશ્વમાં નામના ધરાવે છે ચાઈના જેવો મહત્વકાક્ષી દેશ ટાઈલ્સ માર્કેટ માં મોરબીના લીધે હાંફી ગયો છે તેવા સમયે સિરામિક ઉદ્યોગ ની ખરાબ થતી સ્થિતિ ચાઈનાને વૈશ્વિક માર્કેટ માં વધુ મજબુત બનાવી શકે છે તો બીજી બાજુ સિરામિક ઉદ્યોગ સાથે સીધી અને આડકતરી રીતે જોડાયેલા તમામ ઉદ્યોગ ને ભારે મુશ્કેલી માં મૂકી શકે છે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલ પેપરમિલ ઉદ્યોગ,કોલસા ઉદ્યોગ,રો મટીરીયલ ઉદ્યોગ,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ,પેકેજીંગ ઉદ્યોગ,રીટેઈલ વેપારીઓ, ડીલરો ની સ્થિતિ પણ સિરામિક ની ખરાબ થતી હાલત સાથે ખરાબ થઇ રહી છે અને લોકો ની રોજગારી ઉપર તેની સીધી જ વિપરીત અસર થઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા લાખો લોકો ના જીવન નીર્વાય ના મૂળ સમાન સિરામિક ઉદ્યોગ માટે ખાસ પ્રોત્સાહક નીતિ બનાવવામાં આવે એવી માંગ પ્રબળ બની રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW