HomeGujaratસાડા ચાર વર્ષની બાળકી હત્યા કેસમાં આરોપીનું એન્કાઉન્ટર, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત

સાડા ચાર વર્ષની બાળકી હત્યા કેસમાં આરોપીનું એન્કાઉન્ટર, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત

આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની બાળકીના અપહરણ અને હત્યા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરતા આત્મરક્ષાના ભાગરૂપે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, બોરસદ રૂરલ પોલીસે આરોપી સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ)ની ધરપકડ કર્યા બાદ તેને વધુ પૂછપરછ માટે એલસીબીની ટીમ આણંદ લઈ જઈ રહી હતી. આ દરમિયાન આરોપીએ રસ્તામાં ઉલટી થવાનું બહાનું બતાવી પોલીસનું વાહન ઉભું રાખાવ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે, વાહન ઉભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવેલા ચપ્પા વડે અચાનક પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી.

પરિસ્થિતિ ગંભીર બનતા PSI રાણાએ આરોપીને અનેકવાર ચેતવણી આપી હતી. તેમ છતાં આરોપી હુમલો ચાલુ રાખતા પોલીસ દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી વાગતા આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ત્યારબાદ આરોપીને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે વાસદ રેલવે સ્ટેશન પરથી આશરે સાડા ચાર વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાદમાં વહેલી સવારે રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઘટનાસ્થળેથી બાળકીના કપડાં મળી આવતા પોલીસને બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહ ટ્રેનના પાટા પર ફેંકી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

ઘટનાની ગંભીરતાને પગલે રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, એલસીબી, એસઓજી અને વાસદ પોલીસની ટીમોએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક બાળકી સાથે જતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો.

હાલ સમગ્ર એન્કાઉન્ટર અને હત્યા કેસ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સત્તાવાર નિવેદન બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW