મોરબી એસઓજી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરનું કાળા રંગનું મોટરસાયકલ લઈને ફરી રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે.
પોલીસ ટીમ કામગીરી અંતર્ગત માળીયા મિયાણા ત્રણ રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તરફથી નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને એક વ્યક્તિ આવતા તેની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. મોટરસાયકલ અંગે પૂછતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને વાહનના દસ્તાવેજો પણ રજૂ કરી શક્યો ન હતો.
ત્યારબાદ પોલીસે વાહનના એન્જિન નંબર 04F15E09654ના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનના માલિક અંગે કોઈ વિગતો મળી આવી નહોતી. પ્રાથમિક તપાસમાં મોટરસાયકલ ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવ્યું હોવાની શંકા ઉભી થતા પોલીસે વાહનને બી.એન.એસ.એસ. કલમ-106 હેઠળ કબજે કર્યું હતું.
આ કેસમાં અસ્લમ ઉસ્માન જામ (ઉંમર 32), વ્યવસાયે ગેરેજ કામદાર, રહે. જૂના રેલવે સ્ટેશન વિસ્તાર વાળાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી અને કબજે કરાયેલ મોટરસાયકલને વધુ તપાસ અને કાર્યવાહી માટે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

