હળવદ તાલુકાના વેગડવાવ ગામે 12થી વધુ ગામોના ખેડૂતોનનુ યોગ્ય વળતરની માંગ સાથે મહામંથન થયું હતું જેમાં ખેડૂતોએ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામગીરી રોકવી અને ટ્રેક્ટર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાની રણનીતિ તૈયાર કરી હતી.
હળવદ તાલુકામાંથી 765 કેવી હેવી વીજ લાઈન લાકડીયાથી અમદાવાદ ખેડુતોની કિમતી જમીનમાંથી પસાર થાય છે જેને લઈને વારંવાર ખેડૂતો અને કંપની વચ્ચે ઘર્ષણ થવાના બનાવો બને છે ખેડૂતો દ્વારા વીજ પોલના યોગ્ય ભાવ તેમજ વીજ તારના યોગ્ય ભાવને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ જવાબદાર તંત્ર કે પાવર ગ્રીડ કંપની દ્વારા કોઈપણ જાતનું લેખિતમાં બાહેધરી આપવામાં આવતી નથી.
હળવદ તાલુકાના નવાઅમરાપર, ચાડધ્રા, ઘનશ્યામગઢ, ધુળકોટ, મયુરનગર, ઇસનપુર ,વેગડવાવ, મંગળપુર અને માળીયા તેમજ ધાંગધ્રા તાલુકાના અનેક ગામડાઓમાંથી વીજપોલ પસાર થાય છે ત્યારે વીજપોલના ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગણી સાથે ખેડૂતો દ્વારા આજે હળવદ તાલુકાના વેગડવાવ ગામે મહામંથન યોજાયું હતું જેમાં આગામી સમયમાં જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો હળવદ શહેરમાંથી ટ્રેક્ટર રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવશે તેવી રણનીતિ નક્કી કરી હતી.
હળવદ તાલુકાના ખેડૂતો દ્વારા આજે યોજાયેલ મહામંથનમાં ટ્રેક્ટર રેલી બાદ જરુરીયાત પડશે તો આત્મવિલોપન કરવાની ચીમકી વિચારવામાં આવી હતી તેમજ દરેક જગ્યાએ ચાલતા કામોનો વિરોધ કરી કામ બંધ કરાવશું. તેમજ આ લડત જ્યાં સુધી અમારી માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી ચાલુ રહેશે તેવી પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી .

