ગુજરાતમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ છે. જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની ચાલુ સરકારનું રાજીનામું આપવા માટે રાજભવન પહોંચ્યાં હતાં. તેમની સાથે હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલે ભૂપેન્દ્રભાઈની સરકારનું રાજીનામું સ્વીકારી લીધું હતું.ભાજપની સરકાર બનતાં જ હવે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ 12મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધી યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે 10 વાગ્યે ગાંધીનગર કમલમમાં ભાજપના ધારાસભ્ય દળની મીટિંગ મળશે.
શપથવિધિને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે, ત્યારે 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. તે પહેલાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ગુજરાતની નવી સરકારની શપથવિધિને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ કરાઇ રહી છે. વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં શપથવિધિ યોજાશે. PM મોદી શપથ સમારોહમાં હાજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ પણ શપથવિધિમાં હાજરી આપશે.
ભાજપની ઐતિહાસિક જીત
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભાજપે 156 બેઠકો મેળવી છે, ત્યારે ભાજપ પાર્ટીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઇકાલે જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જેમા તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને તે આજે પણ યથાવત છે. રાજ્યમાં જ્યારે-જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે-ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામોના હિસાબ આપી ચૂંટણી લડી છે. અને એટલે જ જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે. આથી હું તમામ લોકોનો આભાર માનુ છું.
‘ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિને વિશ્વાસની મહોર લગાવી’
સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબંધનમાં કોરોના મહામારીને યાદ કરતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે. જ્યારે પણ કોઇ મુસીબત આવી છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે ઉભા રહ્યા છે. પીએમ મોદી એ પણ કોરોનાકાળમાં ગરીબ લોકોની મદદ કરી છે અને યોજનાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સીધી મદદ પહોંચાડી છે.

