અમદાવાદ-મુંબઈ હાઈવે કે જેના પર ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને અકસ્માત થયો હતો તેને સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ જોખમી માને છે. સાયરસની કાર ઓવરટેક કરતી વખતે સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગડકરીએ સોમવારે કહ્યું કે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું પ્રમાણ 1 લાખ 25 હજાર પેસેન્જર કાર યુનિટ (PCU) છે, તેથી અહીં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શક્યતા ઘણી વધારે છે.
IAA વર્લ્ડ સમિટમાં ગડકરીએ કહ્યું કે 20 હજાર કે તેથી વધુ PCUના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે છ લેન રોડ જરૂરી છે. ગડકરીએ માર્ગ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મૃત્યુ પર દુ;ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કાર ચલાવતી વખતે કારમાં સીટબેલ્ટ ન બાંધવો તે ખોટું જણાવ્યું છે. સાથે જ એ પણ કહ્યું કે કારમાં પાછળ બેઠેલા લોકો માટે સીટબેલ્ટ બાંધવો એટલો જ જરૂરી છે, જેટલું આગળની સીટ પર જે બેસે છે તેમના માટે. કાર અકસ્માતમાં મોતને ભેટેલા મિસ્ત્રીએ સીટબેલ્ટ બાંધ્યો ન હતો.

