કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મંગળવારના રોજ નાગપુર ખાતે નોકરશાહી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મંત્રી તમારા કહ્યા મુજબ નહીં પરંતુ તમારે મંત્રીઓના કહેવા પ્રમાણે કામ કરવાનું છે. નાગપુર ખાતે મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ જણાવ્યું કે, ‘હું બ્યુરોક્રેટ્સને હંમેશા કહું છું કે સરકાર તમારા હિસાબથી નહીં ચાલે.’ગડકરીએ જણાવ્યું.
હંમેશા ઓફિસર્સને કહું છું કે, સરકાર તમારા કીધા પ્રમાણે કામ નહીં કરે. તમારે ફક્ત ‘જી સર’ કહેવાનું છે. તમારે એ જ વસ્તુઓ લાગુ કરવાની છે જે અમે (મંત્રીઓ) કહી રહ્યા છીએ. સરકાર અમારા (કહેવા) મુજબ ચાલશે. હું જાણું છું કે, ગરીબોની ભલાઈના રસ્તામાં કોઈ કાયદો નથી આવતો. પરંતુ જો આવા રસ્તામાં કોઈ કાયદો આવશે તો પણ તેને 10 વખત તોડવામાં પણ આપણે સંકોચ ન રાખવો જોઈએ.’
કેન્દ્રીય મંત્રી ગડકરીએ તાજેતરમાં જ લોકસભામાં એવી જાણકારી આપી હતી કે, ટૂંક સમયમાં જ એક વાહનની તમામ સીટ માટે એરબેગ ફરજિયાત કરવાનો નિયમ લાવવામાં આવશે.

