ગાંધીનગરમાં ચાલુ સિઝનમાં હજી નોંધપાત્ર વધુ વરસાદ પડ્યો નથી. છતાં શહેરના અનેક માર્ગોમાં ગાબડાં પડી ગયા છે. જેના કારણે લોકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશન તંત્રનાં પાપે કહેવાતું સ્માર્ટ સીટી ગાંધીનગર હાલમાં તો ખાડા નગરમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક કાઉન્સિલરોનાં પેટનું પણ પાણી હલતું નહીં હોવાથી ગાંધીનગરના વકીલ મેહુલ પટેલે તો છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરીને આક્રોશ ઠાલવ્યો.
ફોર લેન કરવા ખાડા એમાં પાણી ભરાયા:
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સેકટરના આંતરિક રિંગ રોડને ફોર લેન કરવામાં આવી રહ્યા છે. એમાંય વળી ફોર લેન ઉપરાંત ડિવાઈડરવાળા રોડ તૈયાર થઈ રહ્યા છે. નિયમ મુજબ વાહનોની અવર-જવરનો સર્વે કર્યા બાદ રોડ પર ડિવાઈડર બનાવવાનો નિર્ણય કરવાનો રહેતો હોય છે. જો કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આવો કોઈ સર્વે હાથ ધરાયો નથી.આટલું ઓછું હોય તેમ રોડ પહોળા કરવા માટે ચોમાસામાં ખાડા ખોદવામાં આવ્યા છે.

રોગચાળાનું જોખમ: કાદવ-કિચડના કારણે અકસ્માત-રોગચાળાનું જોખમ પણ ઊભું થયું છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સૌથી દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે. સરગાસણ સ્વાગત ફ્લેમીંગો પાછળનો આખો વિસ્તાર ખખડધજ રસ્તા કાદવ કીચડથી ખદબદી રહ્યા છે. છતાં સ્થાનિક કાઉન્સિલરનાં પેટનું પાણી હલતું નથી.

