મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતીની જમીનોમાંથી વીજ લાઈન માટે પોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા બિન-રાજકીય ઉપવાસ આંદોલનને ભારતીય કિસાન સંઘ-મોરબી જિલ્લાએ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. સંઘના જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો તેમજ કાર્યકરો આંદોલનકારીઓની મુલાકાતે પહોંચ્યા હતા અને ખેડૂતોની માંગણીઓને વાજબી ગણાવી તેમનો સમર્થન વ્યક્ત કર્યો હતો.
ભારતીય કિસાન સંઘના નિવેદન મુજબ, ખેડૂતોની સંમતિ અને પૂરતી ચર્ચા વિના ખેતીની જમીન વચ્ચે વીજ પોલ સ્થાપિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે પાક અને જમીનને નુકસાન થવાની શક્યતા ઉભી થઈ છે. સંઘે જણાવ્યું હતું કે, ખેડૂતોની માલિકીની જમીન અંગેના નિર્ણયો લેતા પહેલાં તેમને વિશ્વાસમાં લેવા જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં ખેડૂતોના મતને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી.
સંઘના જણાવ્યા પ્રમાણે, પોતાના હક, જમીન અને પાકના સંરક્ષણ માટે ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. ખેડૂતોની ચિંતાઓને સમજવા અને ચર્ચા દ્વારા ઉકેલ શોધવાને બદલે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવું યોગ્ય નથી.
આ ઉપરાંત, સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મહિલાઓ સાથે થયેલા કથિત વર્તન અંગે પણ ભારતીય કિસાન સંઘે નારાજગી વ્યક્ત કરી છે. સંઘે જણાવ્યું હતું કે ,ન્યાયની પ્રક્રિયામાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય તેની ખાતરી થવી જોઈએ અને જવાબદાર તંત્રએ સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ.
ભારતીય કિસાન સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે, ખેડૂતોના હિત અને અધિકાર સાથે જોડાયેલા પ્રશ્નોમાં સંઘ હંમેશા તેમની પડખે ઉભો રહેશે. સાથે જ સરકાર અને સંબંધિત વિભાગોને ખેડૂતોની રજૂઆતોને ગંભીરતાથી લઈ ચર્ચા દ્વારા વહેલી તકે સંતોષકારક અને ન્યાયસંગત ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે.

