મોરબી એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્ટાફ માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસની કામગીરી દરમિયાન હતા. તે સમયે ખાનગી બાતમીના આધારે માહિતી મળી હતી કે, મોટા દહીંસરા ગામના વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા જીતુભા જીવુભા જાડેજાએ પોતાની કબજાવાળી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગામ નજીક આવેલા એક બાવળના ઝાડ પાસે સંતાડી રાખ્યો છે.
બાતમીને આધારે એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્ટાફે સ્થળ પર દરોડો પાડતા સ્વિફ્ટ કારમાંથી વિવિધ બ્રાન્ડની સ્કોચ વ્હિસ્કીની કુલ 222 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 4,03,554 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત કાર સહિત કુલ રૂ. 7,03,554નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પોલીસે કારના એન્જિન અને ચેસિસ નંબરના આધારે પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશન મારફતે તપાસ કરતાં કાર પર લગાવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી જાણતા હોવા છતાં વાહન પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી રહ્યો હતો. આ સમગ્ર મામલે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

