મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા ઈકબાલ રફીકભાઈ દાવલીયાએ ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ઈકબાલ પોતાના મિત્ર લક્કી કોળી સાથે રિક્ષામાં ઘરે જઈ રહ્યો હતો, ત્યારે આરોપી રાહુલ ઉર્ફે બુસલી ભરતભાઈ સાલાણી, શંકર સુરેશભાઈ કોળી અને સાહિલ કોળી ત્યાં આવી પહોંચ્યા હતા. અગાઉ લક્કી કોળી સાથે થયેલી બોલાચાલી અને મનદુઃખને લઈને આરોપીઓએ તેની સાથે ફરી માથાકૂટ શરૂ કરી હતી.
દરમિયાન આરોપી સાહિલ ટીવીએસ વાહન લઈને સ્થળે આવ્યો હતો અને ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. આ સમયે ઈકબાલ વચ્ચે પડી મામલો શાંત કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્રણેય આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. ફરિયાદ અનુસાર, ઈકબાલના ડાબા હાથના વિવિધ ભાગોમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

