મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે થયેલી હત્યાની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પાકીટને લઈને થયેલા વિવાદે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ ગત તા. 28 જૂનના રોજ રાત્રિના સમયે નસીતપર ગામમાં આવેલી એક વાડીમાં ખેતમજૂરી કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા પોતાના મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણા સાથે બેઠા હતા. તે દરમિયાન અનિલ મકવાણાના પાકીટને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વધતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો સર્જાયો હતો. આ દરમિયાન અનિલ મકવાણાએ લાકડાના ધોકા વડે રવિભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં રવિભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જોકે પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ઝડપી તપાસ હાથ ધરી હતી. જેના પરિણામે હત્યાના આરોપી અનિલ અશ્વિનભાઈ મકવાણાને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ધોકો પણ કબજે કર્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

