મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જોખમી સ્થિતિમાં રહેલા ભૂગર્ભ વીજ વાયરોને તાત્કાલિક ધોરણે નિયમ મુજબ જમીનમાં ઊંડે ઉતારવાની માંગ કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી, કડિયા બોર્ડિંગ તેમજ વોરાબાગ વિસ્તાર સુધીના માર્ગ પર અનેક સ્થળોએ ભૂગર્ભ વીજ કેબલો ખૂબ જ ઓછી ઊંડાઈએ નાખવામાં આવેલ છે. કેટલાક સ્થળોએ તો વાયર જમીનની સપાટી નજીક અથવા ખુલ્લા દેખાતા હોવાથી સ્થાનિક લોકો માટે જોખમ ઊભું થયું છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે કડિયા બોર્ડિંગ અને વોરાબાગ વિસ્તારમાં કેટલાક ભાગોમાં વીજ વાયર માત્ર અડધો ફૂટ જેટલી ઊંડાઈએ આવેલા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જે સલામતીના નિયમો વિરુદ્ધ છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખતાં આવી સ્થિતિમાં અકસ્માત અથવા જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.
રજુઆતમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો યોગ્ય રીતે કેબલો ન નાખવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. તેથી પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ભૂગર્ભ વીજ વાયરોને નિયમ મુજબ યોગ્ય ઊંડાઈએ સ્થાપિત કરવામાં આવે અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.

