રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધનપુરની મુલાકાત લીધી હતી. રાધનપુર APMC ખાતે ભાજપના આગેવાનો સાથએ બંધ બારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક શરૂ કરાઈ હતી. પણ આ બેઠકમાં મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. APMC ખાતે ભાજપના કાર્યકર્તા અને આગેવાનોએ સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી લીધી. જેની મીડિયાને કોઈ જાણ ન કરાઈ. આ બેઠકમાં શંકર ચૌધરી તથા અલ્પેશ ઠાકોર જેવા સ્થાનિક ભાજપના આગેવાનો જોડાયા હતા.
રાધનપુરમાં રૂ.71 કરોડના ખર્ચે તૈયાર થનારા ફિલ્ટર પ્લાન્ટના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપવા માટે આવ્યા હતા. એ સમયે ધારાસભ્ય રઘુ દેસાઈને આમંત્રણ ન અપાતા રાજકીય લોબીમાં ચર્ચા થઈ રહી છે. રઘુ દેસાઈએ કહ્યું કે, મને આ કાર્યક્રમનું કોઈ આમંત્રણ નથી. હું જવાનો પણ નથી. રાધનપુર સિટીના પ્રશ્નોને લઈ હું નગરપાલિકાના સભ્યો સાથએ બેઠક કરીશ. ભાજપમાં અત્યારે પ્રવેશોત્સવ ચાલું છે. કોંગ્રેસના કિનારે બેઠેલા કેટલાક લોકો પ્રવેશોત્સવમાં જોડાઈ રહ્યા છે. હું તો કોંગ્રેસના સિદ્ધાંતો સાથે જોડાયેલો છું. અંતિમ શ્વાસ સુધી અહીં જ રહીશ. આ તો ઉત્સવ પ્રિય સરકાર છે. જે લોકો એમની આવી વાતોમાં આવી જાય છે. એ પછી ક્યાંયના રહેતા જ નથી. કોંગ્રેસે મને પણ 50 વર્ષ પછી ધારાસભ્યની ટિકિટ આપી. તેમ છતાં હું કોંગ્રેસ સાથે રહ્યો. આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની 125 બેઠકો આવશે. કોંગ્રેસમાં દેર છે અંધેર નહીં. જયરાજસિંહ પરમાર મારો મિત્ર રહ્યો છે. હું પણ તેને સમજાવી રહ્યો છું. કોંગ્રેસમાં કામ કરતા દરેક લોકોએ ધીરજ રાખવાની જરૂર છે. જોકે, રાધનપુરમાં ચર્ચા એ વાતની છે કે, બંધ બારણે એવી તે શું બેઠક કરવાની જરૂર પડી? મુખ્યમંત્રી અહીં વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત આવ્યા હતા.

બીજી તરફ આ પ્રકારની પક્ષને લઈ જ્યારે પણ બેઠક થાય છે ત્યારે પહેલા પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. પક્ષને લઈને સીધા મુખ્યમંત્રી સાથે બેઠક થતા ચર્ચાનો વિષય ઊભો થઈ રહ્યો છે. જોકે, હજુ સુધી ભાજપના કોઈ મોટા નેતાએ આ અંગે સ્પષ્ટતા કરી નથી. હાલ મંગળવારે જ્યારે જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવવાના છે એને લઈને તૈયારીઓ શરૂ થઈ રહી છે. રાજકીય સુત્રોનું માનીએ તો હાલ આ બધુ ચૂંટણીમાં પહેલાથી જ મજબુત બનવા માટે ગોઠવાઈ રહ્યું છે.

