વાંકાનેર સીટી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખોવાયેલા મોબાઈલ ફોન તેમજ સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ અરજદારોને પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અરજીઓના આધારે ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ સાયબર ફ્રોડના બનાવોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને મોબાઈલ ફોનની એન્ટ્રી કરવામાં આવી હતી અને સતત ટેક્નિકલ મોનિટરિંગ તથા સર્વેલન્સના આધારે મોબાઈલ શોધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન પોલીસે આશરે રૂ. 3.51 લાખ કિંમતના કુલ 19 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. ઉપરાંત, ભૂલથી બદલાઈ ગયેલો અંદાજે રૂ. 30 હજાર કિંમતનો એક મોબાઈલ પણ શોધી તેના માલિકને પરત આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાયબર ફ્રોડમાં ગુમાવેલી રૂ. 2,59,390ની રોકડ રકમ પણ અરજદારોને પરત અપાવવામાં સફળતા મળી હતી.
આમ, કુલ અંદાજે રૂ. 6,40,890ના મુદ્દામાલની રિકવરી કરી વાંકાનેર સીટી પોલીસે એકસાથે અરજદારોને પરત સોંપ્યો હતો. આ કામગીરીથી પોલીસની ટેક્નિકલ તપાસ, ઝડપી કાર્યવાહી અને જનસેવાના અભિગમને વધુ એક વખત ઉજાગર કર્યો છે. “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્રને વાંકાનેર સીટી પોલીસે આ કામગીરી દ્વારા સાર્થક બનાવ્યું છે.

