રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનર જમીન ખાલી કરાવવા માટે અને ડુબેલા નાણાને પરત મેળવવા માટે 15 ટકા જેટલું કમિશન માગ્યા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. ત્યારે હવે દરરોજ રાજકોટ પોલીસ કમિશનર ઉપર આક્ષેપો લાગી રહ્યાં છે. તો હવે આ ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ ગમે તે ઘડીએ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી થવાની વાતોએ પણ જોર પકડ્યું છે. તો બીજી તરફ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે અત્યારે 4 આઈપીએસ ઓફિસરોના નામો પણ ચર્ચામાં છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર તપાસ ચલાવાઈ રહી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસનો રિપોર્ટ સોંપવા માટે પણ જણાવ્યું છે. જ્યારે આ સમગ્ર કમિશન કાંડ મુદ્દે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની તપાસ પૂર્ણ થતાની સાથે જ તેની સિંગલ ઓર્ડરમાં ગમે તે ઘડીએ બદલી થઈ શકે છે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

આ ઉપરાંત રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે સુભાષ ત્રિવેદી, રાજુ ભાર્ગવ, આર. પાંડિયન અને નરસિમ્હા કોમરનું નામ સૌથી મોખરે હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. જો કે આ કેસમાં બદલીનો દોર શરૂ થઈ ગયો છે. આજ કેસમાં રાજકોટમાં ફરજ બજાવી ગયેલા એસ.વી. સાખરાની અમદાવાદ ક્રાઈમબ્રાંચમાંથી બદલી કરીને કંન્ટ્રોલરૂમમાં કરાઈ છે.

