અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા સોહૈલ કાસકરને ભારત લાવવાનો ભારતનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. અમેરિકન એજન્સીએ નાર્કો ટેરરિઝમના આરોપમાં તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ભારત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતાં. પરંતુ 1993 મુંબઈ બ્લાસ્ટનો આરોપી અને દાઉદનો ભત્રીજો ત્યાંથી ભાગીને પાકિસ્તાન પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અને 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી સોહૈલ કાસકરની અમેરિકન એજન્સીએ નાર્કો ટેરરિઝમના આરોપમાં ઝડપી લીધા હતો. અમેરિકન એજન્સીએ તેની સાથે અલી દાનિશની પણ ધરપકડ કરી હતી. અલી દાનિશને ભારત લાવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી સોહૈલને ભારત લાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી. પરંતુ મુંબઈ પોલીસ અમેરિકા પાસેથી સોહૈલનો કબ્જો લે તે પહેલા જ તે ત્યાંથી પાકિસ્તાન ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સોહૈલ અને દાનિશની તમામ મીટિંગનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. એટલું જ નહીં અમેરિકન એજન્સીએ તેમના માણસને હથિયારની ડીલ કરવા માટે પૈસા પણ આપ્યાં હતાં. ત્યારપછી 2014ની સાલમાં અમેરિકન એજન્સીએ સોહૈલ અને દાનિશની ડ્રગ્સ અને એર મિસાઈલના ડિલિંગ કેસમાં ધરપકડ કરી હતી અને આ કેસની તપાસ માટે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપાયો હતો. સોહૈલ દાઉદ ઈબ્રાહીમના ભાઈ નુરા કાસકરનો પુત્ર છે. નુરાનું મોત 2010માં પાકિસ્તાનમાં કિડની ફેલ થવાથી થયું હતું.

