હળવદ શહેરની અવધ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠીએ હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી, નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ,ધર્મેન્દ્રભાઈને આરોપીઓ સાથે મિલકતના મુદ્દે ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં આરોપી મેહુલભાઈએ પોતાના હાથમાં રહેલા ધારિયાથી ધર્મેન્દ્રભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઇજા પહોંચી અને લોહી નીકળ્યું હતું. ત્યારબાદ તેઓ નીચે પડી જતા નિલેશભાઈએ કુહાડી વડે તેમના ડાબા હાથની કોણી પાસે ઇજા પહોંચાડી હોવાનું જણાવાયું છે. ઉપરાંત અજાણ્યા શખ્સે પાઈપ વડે માર માર્યો હતો. ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ઝપાઝપી દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બીજી તરફ, સામા પક્ષે મેહુલભાઈ રમણીકભાઈ ગોઠીએ ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ધર્મેન્દ્રભાઈ ગેરકાયદેસર રીતે તેમની વાડીમાં પ્રવેશ્યા હતા અને જમીનના ભાગને લઈને ગાળાગાળી કરી હતી. વધુમાં, ધર્મેન્દ્રભાઈએ હાથમાં રહેલા ધારિયાના હાથાથી ફરિયાદી અને તેમના સાથીને માર માર્યો હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા હળવદ પોલીસે બંને અરજીઓના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

