HomeGujaratમોરબીમાં દિવાળીની રાત બની 'ફાયરફાઇટર્સ' માટે અગ્નિપરીક્ષા: ફટાકડાના કારણે ઠેર-ઠેર આગ, 35થી...

મોરબીમાં દિવાળીની રાત બની ‘ફાયરફાઇટર્સ’ માટે અગ્નિપરીક્ષા: ફટાકડાના કારણે ઠેર-ઠેર આગ, 35થી વધુ કોલ સફળતાપૂર્વક પાર પાડ્યા

દિવાળીના પર્વ દરમિયાન જ્યાં એક તરફ સમગ્ર મોરબીવાસીઓ રોશની અને આતશબાજીથી તહેવાર ઉજવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ માટે આ રાત કોઈ અગ્નિપરીક્ષાથી કમ નહોતી. ફટાકડાના તણખા અને આતશબાજીને કારણે શહેરમાં આગની અનેક ઘટનાઓ સામે આવી હતી, જેને પહોંચી વળવા ફાયર વિભાગ આખી રાત સજાગ રહી સતત દોડતું રહ્યું હતું.

છેલ્લા અઠવાડિયામાં ૧૩ અને દિવાળીના દિવસે ૩૫થી વધુ કોલ

મળતી માહિતી મુજબ  મોરબી ફાયર વિભાગ દ્વારા દિવાળીના તહેવારના છેલ્લા અઠવાડિયા દરમિયાન અંદાજે ૧૩ જેટલા ફાયર કોલ પર સફળ કામગીરી કરવામાં આવી હતી. જોકે, મુખ્ય અગ્નિપરીક્ષા દિવાળીના દિવસથી શરૂ થઈ હતી. દિવાળીના દિવસની સવારથી લઈને બીજા દિવસની સવાર સુધીના ૨૪ કલાકના સમયગાળામાં જ ૩૫ જેટલા નાના-મોટા આગના કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યા હતા.

આશ્ચર્યજનક વાત એ છે કે આ તમામ કોલ્સમાં મહત્તમ કોલ ફટાકડાના કારણે લાગેલ આગના હતા.

૦૪ જગ્યાએ સ્ટેન્ડ-બાય ટીમો બની આશીર્વાદરૂપ

સંભવિત જોખમોને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા અગાઉથી જ રણનીતિ ઘડવામાં આવી હતી. શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ૦૪ અલગ-અલગ જગ્યાએ ફાયર ટીમોને ‘સ્ટેન્ડ-બાય’ રાખવામાં આવી હતી.

આ અગાઉથી ગોઠવાયેલી વ્યુહરચનાના કારણે સ્ટેન્ડ-બાય ટીમોએ જલ્દીથી અને સચોટ રિસ્પોન્સ (ત્વરિત કાર્યવાહી) કર્યો હતો. જેના પરિણામે કોઈપણ જગ્યાએ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે કે મોટું આર્થિક કે માનવ નુકસાન થાય તે પહેલાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ફાયર જવાનોની જહેમત રંગ લાવી

તહેવારના દિવસે પોતાના પરિવારથી દૂર રહીને આખી રાત સતત દોડધામ કરનાર ફાયર વિભાગના જવાનોની સતર્કતા અને બહાદુરીને કારણે મોરબી શહેર એક મોટી દુર્ઘટનામાંથી ઉગરી ગયું હતું. મહાનગરપાલિકાના આ જવાનોની સમયસૂચકતાને કારણે નાગરિકોની દિવાળી સુરક્ષિત રહી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW