હિંમતનગર,શનિવાર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગયા રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યા માટેની પરીક્ષાનું પેપર પ્રાંતિજ તાલુકાના ઊંછા ગામના શખ્સે લીક કરી આયોજનબદ્ધ રીતે કૌભાંડ આચર્યું હોવાનો પોલીસે ખૂલાસો કર્યો છે. સોમવારે સાંજે આપ નેતા યુવરાજસિંહે હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયાનો ઘટસ્ફોટ કર્યા બાદ મચેલા હોબાળાને લઇ બચાવની સ્થિતિમાં આવી ગયેલી સરકારે પોલીસને તપાસના આદેશ આપ્યા બાદ શુક્રવારે મળસ્કે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના 11 શખ્સો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધી 7 શખ્સોની અટકાયત કરી ફરાર 4 ને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. તમામને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.
પરીક્ષામાં પેપર લીક થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે, ત્યારે આજે સાબરકાંઠાના પોલીસ વડા નીરજ બડગુજર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી મહત્વનું છે કે પેપરકાંડમાં અત્યાર સુધીમાં 11 માંથી 7 આરોપીઓ ઝડપાયા છે જ્યારે બાકીના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે મહત્વનું છે કે હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીક મામલે હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે, પેપરલીકના તાર સચિવાલય સુધી પહોંચી શકે છે, હાલ જયેશ પટેલ પોલીસ પકડથી દૂર છે. પણ મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ બાદ મોટા ખુલાસા થઈ શકે છે, પેપરકાંડમાં અધિકારી તેમજ નેતાની સંડોવણી પણ બહાર આવી શકે છે.
પેપરલીક કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આરોપી દર્શન પાસેથી રોકડ 23 લાખ રૂપિયા કબ્જે કરાયા છે. હિંમતનગરમાં દર્શનના ઘરેથી પોલીસને 23 લાખની રોકડ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ 23 લાખ રૂપિયા જુદા જુદા ઉમેદવારો પાસેથી લીધા હોવાનું પણ મનાઈ રહ્યું છે એટલું જ નહીં.આરોપીએ ઉમેદવારોને ઘરે પેપર સોલ્વ કરાવવામાં પણ મદદ કરી હતી.હાલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે, ત્યારે પકડાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે, મહત્વનું છે કે ગઈ કાલે આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ 7ની અટકાયત કરાઇ
1. ધ્રુવ ભરતભાઇ બારોટ ઉ.વ.24 (રહે. બેરણા, તા.હિંમતનગર) 2. મહેશ કમલેશભાઇ પટેલ ઉ.વ.32 (રહે. સી-304 શાશ્વતફળી, ન્યુ રાણીપ, અમદાવાદ) 3. ચિંતન પ્રવિણભાઇ પટેલ ઉ.વ. 29 (રહે. વદરાડ, તા. પ્રાંતિજ) 4. કુલદિપ નલીનભાઇ પટેલ ઉ.વ. 28 (રહે. કાણિયોલ, તા. હિંમતનગર) 5. દર્શન કિરીટકુમાર વ્યાસ ઉ.વ. 45 (રહે.રાજબસેરા, મહાવીરનગર, હિંમતનગર) 6. સુરેશ રમણભાઇ પટેલ (રહે.તાજપુરી કુંડોલ, તા. હિંમતનગર) 7. જશવંત હરગોવન પટેલ (રહે. ઊંછા)

